Gujarat News : સાધલી-કુકસ માર્ગ પર ઝાડ પડતાં બાઇક સવારનું ઘટનાસ્થળે મોત, મહિલા ચમત્કારિક રીતે બચી
વડોદરા જિલ્લામાં ભારે પવન અને વરસાદ વચ્ચે સર્જાયો કરુણ અકસ્માત, ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ

रिपोर्टर वनकर सुमित्राबेन वडोदरा गुजरात
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. શિનોર, સાધલી, સેગવા, ફોફડિયા સહિતના વિસ્તારોમાં ભારે પવનને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. આ દરમિયાન સાધલી-કુકસ માર્ગ પર કરુણ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણનું એક દંપતી બાઇક પર સાધલી તરફથી કુકસ જઈ રહ્યું હતું, ત્યારે ભારે પવનના કારણે અચાનક રસ્તા પર એક મોટું ઝાડ ધરાશાયી થઈ બાઇક પર પડ્યું હતું.

આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલી મહિલા ચમત્કારિક રીતે બચી ગઈ હતી. જોકે મહિલાને ઇજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભારે પવન અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ વૃક્ષોની નજીક વાહન ઉભા ન રાખવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.


Subscribe to my channel