ब्रेकिंग न्यूज़

વેરાવળ ૧૮૧ અભયમ ટીમના સફળ કાઉન્સેલિંગથી ભંગાણના આરે પહોંચેલું લગ્નજીવન બચ્યું; પતિએ પરસ્ત્રી સાથેના સંબંધો તોડી પત્નીની માફી માંગી.
પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધો અને નશાકારક દ્રવ્ય ના લતને કારણે છેલ્લા ૮ વર્ષથી નરક સમાન બનેલા દાંપત્ય જીવનમાં ફરી ખુશીઓની લહેર પાછી ફરી છે.

 


વેરાવળ પંથકની એક પરણિતાએ ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર કોલ કરી પોતાની વ્યથા ઠાલવી હતી. પીડિતાના જણાવ્યા મુજબ, લગ્નના ૯ વર્ષના સમયગાળા દરમિયાન શરૂઆતથી જ તેના પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધો હતા. આ વિવાદને કારણે પત્ની ૭ વર્ષ સુધી પિયરમાં રીસામણે રહી હતી. છ મહિના પૂર્વે વડીલોની મધ્યસ્થીથી સમાધાન કરી તે સાસરીમાં પરત ફરી હતી, પરંતુ પતિની હરકતોમાં સુધારો આવ્યો ન હતો. પતિ હજુ પણ અન્ય સ્ત્રી સાથે સંપર્કમાં હોવાથી કંટાળીને મહિલાએ અંતે અભયમની મદદ માંગી હતી.
માહિતી મળતાની સાથે જ ૧૮૧ અભયમ વેરાવળની ટીમ સ્થળ પર પહોંચી હતી. કાઉન્સેલર અંજનાબેન દાફડા અને મહિલા કોન્સ્ટેબલ ધારાબેન સોલંકીએ પીડિતાના પતિ સાથે ગહન ચર્ચા કરી હતી. ટીમે પતિને એક પિતા અને પતિ તરીકેની જવાબદારીઓ સમજાવી હતી, સાથે જ નશાકારક દ્રવ્ય થી થતા શારીરિક અને આર્થિક નુકસાન તેમજ કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાઉન્સેલિંગના અંતે પતિને પોતાની ભૂલ સમજાઈ હતી. તેણે ભવિષ્યમાં કોઈ પણ પરસ્ત્રી સાથે સંબંધ ન રાખવાની અને પત્નીને હેરાન ન કરવાની ખાતરી આપી. પત્નીએ પણ પોતાની માસૂમ દીકરીના ભવિષ્ય અને પરિવારની ગરિમાને ધ્યાને રાખી પતિને સુધરવાની એક તક આપી સુખદ સમાધાન કર્યું હતું.
આમ, અભયમ ટીમની સમયસૂચકતા અને કુનેહપૂર્વકના પ્રયાસોથી ૯ વર્ષ જૂના કલેશનો અંત આવ્યો હતો અને એક વિખૂટું પડતું દંપતી ફરી એક થયું હતું. પરણિતાએ મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ ૧૮૧ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Gujarat state News @ State Chief Jadav Subhashbhai

Indian Crime News

Related Articles

Back to top button