પીડિતોને આશ્વાશન આપી ભૂલી ગયા 10 વર્ષે ન્યાય માટે નિકોલ શહીદ વીર મંગલ પાંડે ઓડિટોરિયમ ગુંજયુ
ગુજરાત ભરના આગેવાનો હજારો પબ્લિક અમદાવાદમાં
ઉના કાંડના ૧૦ વર્ષ: નિકોલ ખાતે આવેલ શહીદ મંગલ પાંડે હોલમાં યોજાઈ રાજ્ય કક્ષાની ભવ્ય ‘સંકલ્પ સભા’, પીડિતોના પુનઃવસન અને ન્યાય માટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત અગ્રણીઓએ ગર્જના કરી

અમદાવાદના નિકોલ ખાતે આવેલ શહીદ વીર મંગલ પાંડે ઓડિટોરિયમ હોલ ખાતે ગુજરાતભરમાંથી અનુસૂચિત સમાજના હજારો લોકો ઉમટી પડ્યા હતા બેસવાની કે ઉભા રહેવાની જગ્યા ખૂટી પડી હતી, એટલો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.

સ્ટેજ પર વીઆઈપી સંસ્કૃતિને તિલાંજલિ: વક્તાઓ સિવાય કોઈના માટે બેઠક વ્યવસ્થા નહીં રાખવાનો પ્રેરણાદાયી નિર્ણય
ગુજરાત સરકાર સમક્ષ પીડિતોને સરકારી નોકરી, જમીન અને આંદોલનકારીઓ પરના કેસો પરત ખેંચવા પાંચ મુદ્દાની ધારદાર રજૂઆત
અમદાવાદ
તા. ૧૧ જુલાઈ, ૨૦૧૬ના રોજ ગીર સોમનાથના સમઢિયાળા ગામે અનુસૂચિત જાતિના યુવાનો પર ગૌરક્ષાના નામે થયેલા અમાનવીય અત્યાચારના (ઉના કાંડ) ૧૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સમગ્ર અનુસૂચિત સમાજ ગુજરાત દ્વારા અમદાવાદના નિકોલ સ્થિત ‘શહીદ વીર મંગલ પાંડે ઓડિટોરિયમ’ ખાતે એક વિશાળ રાજ્ય કક્ષાની “સંકલ્પ સભા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે બપોરે ૨ થી ૭ વાગ્યા દરમિયાન યોજાયેલી આ સભામાં સામાજિક ન્યાય, સમાનતા અને બંધારણીય મૂલ્યોની રક્ષા કાજે એકત્રિત થઈને આગળ વધવાનો દ્રઢ સંકલ્પ લેવાયો હતો.
સ્ટેજ પર વીઆઈપી સંસ્કૃતિ હટાવી અનોખો સંદેશ આપ્યો
આ કાર્યક્રમમાં સમાનતાનો અનોખો સંદેશ આપતા સ્ટેજ પર વક્તાઓ સિવાય અન્ય કોઈ મહાનુભાવો માટે બેઠક (ખુરશી) વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. મંચ સંચાલન અને વ્યવસ્થામાં કુમુદ સુબોધ અને રાકેશભાઈ મહેરિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં આયોજકોએ ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા સમાજના આગેવાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. દક્ષેશ છારા દ્વારા તૈયાર કરાયેલી ઉના કાંડ પરની સંવેદનશીલ ડોક્યુમેન્ટ્રી પણ પડદા પર રજૂ કરવામાં આવી હતી.
રાજ્યભરના પ્રખર વક્તાઓએ સ્ટેજ ગજવ્યું
આ સભામાં મંજુલાબેન મીઠાપુર, જિતુ ચાવડા, હિતેશભાઈ મહેશ્વરી (કચ્છ), કમલેશભાઈ અને ધવલ (ભીમ આર્મી, અમદાવાદ) તેમજ દક્ષેશ છારાએ સંબોધન કર્યું હતું. તે ઉપરાંત એડવોકેટ નવચેતનભાઈ (અમરેલી), ચંદુભાઈ મહેરિયા, નટુભાઈ પરમાર, અમૃતભાઈ મકવાણા (સુરેન્દ્રનગર), ચંદ્રિકાબેન સોલંકી, એડવોકેટ સમસાદ ખાન પઠાણ, દેવદાનભાઈ મુછડિયા રાજસ્થાનથી વિનોદ જાખડ, હિતેન્દ્ર પીઠડીયા (અમદાવાદ), લક્ષ્મીબેન મહેરિયા, ડી. ડી. સોલંકી (રાજકોટ), સુરેશ આગઝા, એડવોકેટ પરેશભાઈ વાઘેલા, કલ્પેશભાઈ (નરોડા), એડવોકેટ ગોવિંદભાઈ પરમાર, ભાનુભાઈ ચૌહાણ, પરસોતમ વાઘેલા અને રાજેશ નાડિયા જેવા પ્રખર આગેવાનોએ પ્રભાવી વક્તવ્યો આપ્યા હતા.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુજરાત સરકાર સમક્ષ મૂકી પાંચ મુખ્ય માંગણીઓ
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વક્તા તરીકે આક્રોશપૂર્ણ સંબોધન કરતા જણાવ્યું હતું કે, “ઉના કાંડ માત્ર એક ઘટના નહોતી, પણ સામાજિક ન્યાય અને બંધારણની કસોટી હતી.” તેમણે સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે નીચે મુજબની સરકાર સમક્ષ પંચસૂત્રીય માંગણીઓ રજૂ કરી હતી:
પીડિતોનું સંપૂર્ણ પુનઃવસન: એટ્રોસિટી નિયમો, ૧૯૯૫ના નિયમ-૧૫ મુજબ પીડિત પરિવારોને સરકારી નોકરી, ખેતીની જમીન, ૨૫૦ વારનો રહેણાંક પ્લોટ, મકાન બાંધકામ સહાય અને માસિક પેન્શન આપવામાં આવે.તે વખતના મુખ્યમંત્રી અને આનંદીબેન પટેલે આપેલ વચનો પૂર્ણ કરવામાં આવે.
ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ: સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટ, વેરાવળ દ્વારા તા. ૧૭ માર્ચ, ૨૦૨૬ના રોજ આપવામાં આવેલા ચુકાદાનો કાયદાકીય અભ્યાસ કરી ન્યાયના હિતમાં રાજ્ય સરકાર તુરંત હાઇકોર્ટમાં અપીલ કરે.
આંદોલનકારીઓ પરના કેસો પરત ખેંચવા: ઉના કાંડના વિરોધમાં થયેલા લોકશાહી આંદોલનો દરમિયાન દલિત યુવાનો અને નાગરિકો સામે નોંધાયેલા તમામ પેન્ડિંગ પોલીસ કેસો રાજ્ય સરકાર જાહેર હિતમાં પાછા ખેંચે.
એટ્રોસિટી એક્ટનો કડક અમલ: ફરિયાદ નોંધવામાં થતો વિલંબ, નબળી કલમો અને તપાસમાં બેદરકારી અટકાવવા માટે સમગ્ર ગુજરાતમાં ખાસ મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરી કાયદાનો કડક અમલ થાય.
ગંભીર અત્યાચાર પીડિતોનું પુનઃસ્થાપન: રાજ્યમાં બનતી અન્ય ગંભીર અત્યાચારની ઘટનાઓના ભોગ બનનારા પરિવારોને પણ નિયમ-૧૫ મુજબ તાત્કાલિક નોકરી, જમીન અને આર્થિક સહાય આપી સ્થાપિત કરવામાં આવે.
આ સંકલ્પ સભાના માધ્યમથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને સમગ્ર દલિત સમાજે ગુજરાત સરકારને અપીલ કરી છે કે આ સંવેદનશીલ બાબત માત્ર સ્થાનિક પોલીસ તંત્રને સોંપવાને બદલે ગૃહ વિભાગ અને કાનૂન વિભાગના સંકલનથી કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે.



Subscribe to my channel