Gujarat News : કડી તાલુકાના ડરણ ગામમાં ભારે વરસાદથી 140 ઘરોમાં પાણી ઘુસ્યા, ગ્રામજનો મુશ્કેલીમાં
નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર, બાળકોના શિક્ષણથી લઈને મેડિકલ ઇમરજન્સી સુધીની સેવાઓ પ્રભાવિત; ગ્રામજનોએ કાયમી ઉકેલની કરી માંગ

रिपोर्टर हनीफभाई जादव कड़ी गुजरात
કડી (મહેસાણા). કડી તાલુકાના ડરણ ગામમાં ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે. ગામના ખારા ઉપર વિસ્તાર અને મણિનગર વિસ્તારમાં આવેલા અંદાજે 140 રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ખારા ઉપર વિસ્તારમાં પાટીદાર સમાજ અને મણિનગર વિસ્તારમાં ઠાકોર સમાજના પરિવારો વસવાટ કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીનો સામાન પલળી ગયો છે અને અનેક પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે. આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાએ જતા નાના બાળકો અને વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખારા ઉપર વિસ્તાર તરફ જતો મુખ્ય રસ્તો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે જો રાત્રિના સમયે કોઈ વ્યક્તિ બીમાર પડે અથવા મેડિકલ ઇમરજન્સી સર્જાય તો દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં ગંભીર મુશ્કેલી ઊભી થઈ શકે છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા અનેક વર્ષોથી તેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ચૂંટણી સમયે નેતાઓ ગામની મુલાકાત લઈને આશ્વાસન આપે છે, પરંતુ ત્યારબાદ સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ગ્રામજનોએ તંત્ર સમક્ષ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.


Subscribe to my channel