Gujarat News : ભારે વરસાદ વચ્ચે 108 સ્ટાફની માનવતાભરી સેવા: કોટડા બાવસી ગામે ઘરે જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી માતા-શિશુનો જીવ બચાવ્યો

रिपोर्टर सिसौदिया रवीन्द्र जामनगर गुजरात
જામજોધપુર: ભારે વરસાદ અને ખરાબ રસ્તાઓ વચ્ચે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામજોધપુર તાલુકાના કોટડા બાવસી ગામના વાડી વિસ્તારમાં રસ્તો સંપૂર્ણપણે બંધ હોવા છતાં 108ની ટીમે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના સગર્ભા મહિલાની ઘરે જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી.
મળતી માહિતી મુજબ, ભારે વરસાદને કારણે એમ્બ્યુલન્સ પ્રસૂતિ સ્થળ સુધી પહોંચી શકી નહોતી. આવી વિકટ પરિસ્થિતિમાં 108ના સ્ટાફે હિંમત અને કુશળતા દાખવી સગર્ભા મહિલાની સફળ ડિલિવરી કરાવી, જેના કારણે માતા અને નવજાત શિશુ બંને સુરક્ષિત રહ્યા. પ્રસૂતિ બાદ પણ સ્ટાફની કામગીરી અહીં અટકી નહોતી. માતા અને નવજાત શિશુને ખાટલા પર બેસાડી આશરે 500 મીટર સુધી કાદવ અને કીચડથી ભરેલા રસ્તા પરથી પસાર કરીને એમ્બ્યુલન્સ સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા. ત્યારબાદ બંનેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની આ સમયસૂચકતા, ફરજનિષ્ઠા અને માનવતાભરી સેવાએ સ્થાનિકોમાં પ્રશંસા મેળવી છે.



Subscribe to my channel