ગીર સોમનાથ – ત્રિવિધ વૈશાખી બૌદ્ધ પૂર્ણિમા નિમિત્તે સોનારિયા ગામે આયુષ નિદાન-સારવાર કેમ્પનું ભવ્ય આયોજન
ગીર સોમનાથ સોનારિયા ગામે નિદાન કેમ્પ
ત્રિવિધ વૈશાખી બૌદ્ધ પૂર્ણિમા નિમિત્તે સોનારિયા ગામે આયુષ નિદાન-સારવાર કેમ્પનું ભવ્ય આયોજન

શાક્યમુનિ તથાગત ભગવાન બુદ્ધની જન્મ, જ્ઞાન અને નિર્વાણ ત્રણેય તિથિઓની પવિત્ર ત્રિવેણી તરીકે જાણીતી ત્રિવિધ વૈશાખી બૌદ્ધ પૂર્ણિમા નિમિત્તે ગીર-સોમનાથ જિલ્લાના સોનારિયા ગામે ગુજરાત સમન્વય શેડ્યુલ્ડ કાસ્ટ સંગઠન સોમનાથ અને આયુષ વિભાગ ગીર-સોમનાથના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે હોમિયોપેથિક તથા આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. તથાગત બુદ્ધના “અહિંસા પરમો ધર્મઃ” અને આયુષ્માન જીવનશૈલીના સિદ્ધાંતોને સમર્પિત આ કેમ્પ દ્વારા સમાજને આરોગ્યસભર જીવનદાયી બુદ્ધ વાણીનો લાભ પણ પહોંચાડવામાં આવ્યો. કેમ્પનું ઉદ્ઘાટન ગીર-સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચાના અધ્યક્ષ તથા જિલ્લા પંચાયત સદસ્ય હીરાભાઈ માકડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો.

વેરાવળ, તાલાલા અને સુત્રાપાડા તાલુકાના ગામોમાંથી ૧૨૬ કરતાં વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો. ડારી હોમિયોપેથિક હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. સ્વાતિ સોલંકી તથા પ્રભાસ પાટણ સરકારી આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસર નીલમબેન વાળા અને તેમની ટીમે દર્દીઓનું વિગતવાર નિદાન કરી, સંતોષજનક સારવાર આપી અને દવાઓ પણ વિના મૂલ્યે અપાઈ

કેમ્પને સફળ બનાવવામાં ગામના ગ્રામજનો, પ્રાથમિક શાળાના આચાર્ય ઝાલાભાઈ,મુળાભાઈ સોલંકી, પ્રફુલભાઈ સોલંકીએ જહેમત ઉઠાવી હતી.કેમ્પમાં જિલ્લા પંચાયત સભ્ય અને સરપંચના પ્રતિનિધિ મોહનભાઈ સોલંકી બાદલપરાના સરપંચ તનસુખભાઈ વાળા, ચામુંડા એગ્રોના પ્રતાપભાઈ ચૌહાણ તથા તલાટી મંત્રી મિતેશભાઈ ઝંકાટ પણ ઉપસ્થિત રહ્યા.
કેમ્પના આયોજક ભગવાનભાઈ સોલંકીએ કેમ્પની સફળતા માટે સૌનો હાર્દિક આભાર માન્યો અને તથાગત બુદ્ધના આશીર્વાદથી આવા સમાજસેવાકારી કાર્યક્રમોની ભવિષ્યમાં વધુ યોજનાની ઇચ્છા વ્યક્ત કરી.

*અહેવાલ ભીમજીભાઈ ભજગોતર ગીર સોમનાથ*
Subscribe to my channel