ब्रेकिंग न्यूज़

ડીસાના કુપટ ગામે ઘૂંઘટ પ્રથા વિરુદ્ધની પહેલ બાદ વિવાદ: જીગ્નેશ મેવાણી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બદલ પોલીસ ફરિયાદ

*ડીસાના કુપટ ગામે ઘૂંઘટ પ્રથા વિરુદ્ધની પહેલ બાદ વિવાદ: જીગ્નેશ મેવાણી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બદલ પોલીસ ફરિયાદ*

બનાસકાંઠાના ડીસા તાલુકાના કુપટ ગામમાં વર્ષો જૂની ‘ઘૂંઘટ પ્રથા’ નાબૂદ કરવાની ઐતિહાસિક પહેલ બાદ સોશિયલ મીડિયા પર વિવાદ વકર્યો છે. મહિલાઓના સન્માન માટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમ બાદ, ફેસબુક પર જાતિ વિષયક અને અપમાનજનક ટિપ્પણી કરવામાં આવતા દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મહિલા દિવસ નિમિત્તે કુપટ ગામે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મહિલાઓને ઘૂંઘટ છોડી સ્વમાનભેર જીવવા હાકલ કરી હતી. આ સમાચાર ‘સૌરાષ્ટ્ર સંવાદ’ ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયા બાદ, મનહરસિંહ ડાભી નામના આઈડી પરથી ધારાસભ્ય અને સમાજ વિરુદ્ધ ગેરબંધારણીય અને જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ અપમાનજનક પોસ્ટને પગલે ડીસા તાલુકાના અજાપુરા ગામના આગેવાન ધમેન્દ્રસિંહ સોલંકી અને એડવોકેટ નવીનભાઈ પરમાર સહિત દલિત સમાજના સભ્યોએ ડીસા રૂરલ પોલીસ મથકે ઉગ્ર રજૂઆત કરી છે.
સોશિયલ મીડિયા પર જાણી જોઈને ધારાસભ્યની છબી ખરડાવવા અને સમાજમાં અશાંતિ ફેલાવવાના હેતુથી આ પોસ્ટ કરવામાં આવી છે.
આગેવાનો દ્વારા પી.આઈ. (P.I.) ને સંબોધીને કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિતમાં ફરિયાદ સોંપવામાં આવી છે ડીસા રૂરલ પોલીસે અરજી સ્વીકારી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકારની ટિપ્પણીઓ માત્ર વ્યક્તિગત જ નહીં પણ સામાજિક પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચાડે છે. બંધારણીય હોદ્દા પર રહેલા વ્યક્તિ વિરુદ્ધ આવી ભાષા સાંખી લેવામાં આવશે નહીં.

હવે જોવાનું એ રહે છે કે સાયબર ક્રાઈમ અને રૂરલ પોલીસ આ કેસમાં જવાબદાર વ્યક્તિ સામે કેટલી ઝડપથી એક્શન લે છે.

Indian Crime News

Related Articles

Back to top button