મહેસાણા માં હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે રૂ. 1.01 લાખનું મામેરું ભરી ભાઈચારાની મિશાલ રજૂ કરી
મહેસાણા માં હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે રૂ. 1.01 લાખનું મામેરું ભરી ભાઈચારાની મિશાલ રજૂ કરી વર્તમાન સમયમાં જ્યારે દેશમાં જ્ઞાતિ-જાતિ અને ધર્મના નામે વૈમનસ્યની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે.ત્યારે મહેસાણાના નાગલપુર કસ્બા વિસ્તારમાંથી કોમી એકતા અને ભાઈચારાના અતૂટ સંબંધોની એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. અહીં એક હિન્દુ ભાઈએ પોતાની મુસ્લિમ ધર્મની બહેનના સંતાનોના લગ્નમાં લાખો રૂપિયાનું મામેરું ભરીને સમાજમાં માનવતાનો સંદેશ પ્રસરાવ્યો છે. આ કહાની કોઈ ફિલ્મી પટકથા જેવી લાગે પરંતુ તે મહેસાણાના કસ્બામાં વાસ્તવિક સ્વરૂપે જોવા મળી છે. આશરે 25 વર્ષ અગાઉ મજૂરી કામ કરતા મહેસાણાના સુલતાનાબીબી અને વડોસણ ગામના સુરતાનજી ઠાકોર વચ્ચે પરિચય થયો હતો. સાથે મજૂરી કરતાં-કરતાં તેમની વચ્ચે ભાઈ-બહેનનો એક પવિત્ર અને અતૂટ સંબંધ બંધાયો હતો. આ સંબંધ માત્ર નામ પૂરતો જ મર્યાદિત ન રહ્યો. પરંતુ સમય જતાં વધુ મજબૂત બન્યો હતો. તાજેતરમાં સુલતાનાબીબીના પુત્ર અરમાન અને તેમની પુત્રીના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરતાનજી ઠાકોરે પોતાની ધર્મની બહેન પ્રત્યેની ફરજ અદા કરતા મામા તરીકેની જવાબદારી સ્વીકારી હતી. સુલતાનાબીબીના પોતાના સગા ભાઈઓ હોવા છતાં.સુરતાનજીએ આગળ આવીને એક લાખ એક હજાર રૂપિયાની રોકડ રકમ સાથે મામેરું કર્યું હતું. હિન્દુ-મુસ્લિમની આ અનોખી જોડીએ સાબિત કરી દીધું છે કે લોહીના સંબંધો કરતા પણ લાગણી અને માનવતાના સંબંધો ક્યારેક વધુ ઊંડા હોય છે. બહેન સુલતાનાબીબી અને તેમના પુત્ર અરમાને સુરતાનજી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.જ્યારે સુરતાનજી ઠાકોરે જણાવ્યું હતું કે ધર્મ ગમે તે હોય પણ બહેન પ્રત્યેની ભાઈની ફરજ સૌથી મોટી છે. 25 વર્ષ જૂના આ પવિત્ર સંબંધે સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે અને લોકો આ ભાઈચારાની મિશાલને બિરદાવી રહ્યા છે.