Gujarat News : કોટડાસાંગાણીના નોઘણચોરા ગામે મહાદેવ મંદિર સામેના પુલના કામમાં અનિયમિતતાના આક્ષેપ, તપાસની માંગ
रिपोर्टर मकवाना लालाजीभाई राजकोट गुजरात
રાજકોટ (ગુજરાત): રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના નોઘણચોરા ગામે મહાદેવ મંદિર સામે આવેલ ફોફળ નદીના પુલના મરામત કાર્યમાં ગંભીર અનિયમિતતા અને ગુણવત્તાના અભાવના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક જાગૃત નાગરિકો અને ભાજપ કાર્યકર લાલજીભાઈએ સમગ્ર મામલે સ્થળ તપાસ અને ખાતાકીય તપાસની માંગ કરી છે. રજૂઆત મુજબ, જર્જરિત હાલતમાં રહેલા પુલ પર સરકાર દ્વારા વિકાસ કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જોકે, કામ દરમિયાન એસ્ટીમેટ મુજબ કામગીરી કરવામાં આવી ન હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. રજૂઆતમાં જણાવાયું છે કે પુલ પર યોગ્ય લેવલિંગ અથવા પટ્ટી મારવામાં આવી નથી, માત્ર પથ્થરો નાખી રેતીનું પુરાણ કરીને ઉપરથી ઢાંકવામાં આવ્યું છે. પરિણામે કામ પૂર્ણ થયાના થોડા જ સમયમાં પુલમાં તિરાડો દેખાવા લાગી હોવાનું જણાવાયું છે.

રજૂઆતમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા કામનું યોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું નથી. તેમજ સરપંચ અને તલાટી મંત્રી સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે રજૂઆત કરનાર જાગૃત નાગરિકોના વિરોધમાં ખોટી સહીઓ સાથે બચાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્થાનિક ખેડૂતોનો દાવો છે કે આ પુલનો રોજિંદો ઉપયોગ કરનાર ખેડૂતોની સહીઓ રજૂ થયેલા દસ્તાવેજોમાં નથી અને ગામસભાની પ્રક્રિયા તેમજ ઠરાવ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે એસ્ટીમેટ મુજબ ગુણવત્તાસભર કામની ખાતરી થયા બાદ જ બિલ મંજૂર કરવામાં આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ મામલે સંબંધિત તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી.




Subscribe to my channel