ગીર સોમનાથ 181 ટીમ ફરજ પર રહેલા કાઉન્સેલર મનીષાબેન ધોળિયા, કોન્સ્ટેબલ પ્રવિણાબેન તથા પાયલોટ અજીતભાઈ ની સફળતા
પતિ પત્ની ને વિખૂટા પડતા રોકી એક નવી જિંદગી આપી
વેરાવળ અભયમ્ 181 ટીમના સફળ કાઉન્સેલિંગથી તૂટતો પરિવાર બચ્યો

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં એક પરિણીત મહિલાના પારિવારિક વિવાદનો અંત વેરાવળ અભયમ્-181 ટીમના અસરકારક કાઉન્સેલિંગથી આવ્યો હતો. કુટુંબમાં મતભેદને કારણે મહિલા પોતાના પતિ સાથે રહેવા ઇચ્છતી ન હતી અને અન્ય એક વ્યક્તિ સાથે રહેવાની જીદ પર અડગ હતી. પરિવારજનોએ અનેક પ્રયાસો કર્યા છતાં સમાધાન ન થતાં તેમણે અભયમ્-181ની મદદ લીધી.

માહિતી મળતાં ફરજ પર રહેલા કાઉન્સેલર મનિષા ધોળિયા, કોન્સ્ટેબલ પ્રવિણાબેન તથા પાયલોટ અજીતભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસ સ્ટેશન બહાર મહિલા અને તેના પરિવારજનો સાથે વિગતવાર વાતચીત કરી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.
કાઉન્સેલિંગ દરમિયાન મહિલાને પત્ની અને માતા તરીકેની જવાબદારીઓ અંગે સમજાવવામાં આવ્યું. ખાસ કરીને 12 વર્ષની દીકરીના ભવિષ્ય, પરિવારના મહત્વ અને દાંપત્ય જીવનના મૂલ્યો અંગે વ્યવહારિક માર્ગદર્શન આપવામાં આવ્યું.
સતત સમજાવટ અને અસરકારક કાઉન્સેલિંગ બાદ મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી, પતિની માફી માંગી અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવાની ખાતરી આપી. પતિએ પણ દીકરીના હિતને ધ્યાનમાં રાખીને પત્નીને એક વધુ તક આપવાનો નિર્ણય કર્યો અને બંનેએ ફરી સાથે રહેવા સંમતિ વ્યક્ત કરી.
આ રીતે વેરાવળ અભયમ્-181 ટીમના સમયસરના હસ્તક્ષેપ અને કુશળ કાઉન્સેલિંગના કારણે એક તૂટતો પરિવાર ફરી એક થયો અને દંપતી વચ્ચે સમાધાન થતાં પરિવારનું પુનઃમિલન શક્ય બન્યું.




Subscribe to my channel