સ્વાભિમાનનો ગર્જતો અવાજ ડર નહી અધિકાર જોઇએ,, જે સમાજ પોતાનું સ્વાભિમાન જાળવે છે, તેને કોઇ દબાવી શકતું નથી,
અન્યાય સામે મૌન નહી, કાયદા અને સંવિધાનથી લડવું એજ દલિત સમાજની સાચી ઓળખ,, જાદવ એસ,,
ઉના કાંડ – 10 વર્ષ પૂર્ણ: ગુજરાત સરકાર સમક્ષ 10 મુખ્ય માંગણીઓ

ઉના કાંડને 10 વર્ષ પૂર્ણ થતાં, ન્યાય, પુનર્વસન, સમાનતા અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે ગુજરાત સરકાર સમક્ષ ગુજરાતના દલિત સમાજની નીચે મુજબની દસ માંગણીઓ રજૂ કરવામાં આવે છે:
1. ઉના કાંડના પીડિતોનું સંપૂર્ણ પુનર્વસન
ઉના કાંડના પીડિત પરિવારોને એટ્રોસિટી એક્ટ, 1989 તથા નિયમો, 1995ના નિયમ-15 મુજબ લાયકાત અનુસાર સરકારી નોકરી, આજીવિકા માટે ખેતીની જમીન, 250 ચોરસ વારનો રહેણાંક પ્લોટ, મકાન બાંધકામ સહાય અને માસિક પેન્શન આપી સંપૂર્ણ પુનર્વસન કરવામાં આવે.
2. સરકાર દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવે
સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટ, વેરાવળ (જિલ્લો ગીર સોમનાથ) દ્વારા તા. 17 માર્ચ, 2026ના રોજ આપવામાં આવેલા ચુકાદા સામે રાજ્ય સરકાર તાત્કાલિક હાઈકોર્ટમાં અપીલ કરે.
3. ઉના આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો પરત ખેંચવામાં આવે
ઉના કાંડના વિરોધમાં રાજ્યની 78 જગ્યાએ થયેલા આંદોલનો દરમિયાન દલિતો સામે નોંધાયેલા તમામ પેન્ડિંગ પોલીસ કેસો સરકાર દ્વારા પરત ખેંચવામાં આવે.
4. એટ્રોસિટી એક્ટનો કડક અમલ કરવામાં આવે
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 તથા તેના નિયમો અને સુધારાઓનો રાજ્યભરમાં કડક અમલ કરી દલિત અને આદિવાસી સમાજના માનવ અધિકારોનું અસરકારક રક્ષણ કરવામાં આવે.
5. SC/ST/OBC યુવાનો માટે વિશેષ ભરતી અભિયાન
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને OBCના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે વિશેષ ભરતી ઝુંબેશ ચલાવી તમામ બેકલોગની જગ્યાઓ ભરવામાં આવે. આઉટસોર્સિંગ ભરતી બંધ કરી કાયમી, પૂર્ણ પગારવાળી સીધી ભરતી કરવામાં આવે.
6. ગંભીર અત્યાચારના તમામ પીડિતોનું પુનર્વસન
રાજ્યમાં ગંભીર અત્યાચારનો ભોગ બનેલા તમામ SC/ST પરિવારોને નિયમ-15 મુજબ સરકારી નોકરી, ખેતીની જમીન, બાળકોના શિક્ષણ માટે સહાય, 250 ચોરસ વારનો પ્લોટ, મકાન સહાય અને પેન્શન આપી પુનર્વસન કરવામાં આવે.
7. જમીન, આવાસ અને સ્મશાનના અધિકારો સુનિશ્ચિત કરવામાં આવે
કાગળ પર ફાળવાયેલી જમીનો પરથી ગેરકાયદે કબજા દૂર કરી લાભાર્થીઓને વાસ્તવિક કબજો અપાય.
જમીનવિહોણા પરિવારોને ખેતીની જમીન ફાળવવામાં આવે અને ખાલસા કરાયેલી જમીનો રી-ગ્રાન્ટ કરવામાં આવે.
દરેક ગામમાં રહેણાંક માટે 100 ચોરસ વારના પ્લોટ ઉપલબ્ધ કરાવવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે.
દરેક ગામમાં અનુસૂચિત જાતિના લોકો માટે સ્મશાનની જમીન ફાળવી જરૂરી જાહેર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
8. શિક્ષણ અને વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ
છેલ્લા 15 વર્ષમાં બંધ કરાયેલી તમામ સરકારી શાળાઓ ફરી શરૂ કરવામાં આવે તથા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જાતિ દાખલો, આવક દાખલો અને શિષ્યવૃત્તિ મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે વિશેષ તંત્ર રચવામાં આવે.
9. આભડછેટ નાબૂદી માટે રાજ્યવ્યાપી અભિયાન
રાજ્યમાં આભડછેટ અંગે વ્યાપક સર્વે કરીને ‘વ્હાઈટ પેપર’ જાહેર કરવામાં આવે તથા રાજ્ય સરકાર દ્વારા આભડછેટ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી હકીકતમાં આભડછેટમુક્ત આદર્શ ગામ વિકસાવવામાં આવે.
10. માથેમેલું અને ગટર સફાઈમાં માનવશ્રમનો સંપૂર્ણ અંત
પ્રતિબંધિત માથેમેલું કામ સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવે, 2013ના કાયદાનો કડક અમલ થાય અને કોઈપણ સફાઈ કામદારને ગટર અથવા મેનહોલમાં ઉતારવામાં ન આવે.
“ઉના કાંડના 10 વર્ષ માત્ર સ્મરણનો પ્રસંગ નથી, પરંતુ ન્યાય, સમાનતા અને બંધારણીય અધિકારોની સ્થાપના માટે સરકારને જવાબદારી નિભાવવાની યાદ અપાવતો ઐતિહાસિક અવસર છે.”
કાંતિલાલ પરમાર, માનવ અધિકાર કાર્યકર્તા, અમદાવાદ, ગુજરાત



Subscribe to my channel