મહેસાણામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: રેલવે સ્ટેશન નજીકથી 10.86 લાખના ડ્રગ્સ સાથે રાજસ્થાનના ત્રણ શખ્સો ઝડપાયા.
મહેસાણા શહેરમાં નશાના કારોબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) મોટી તવાઈ બોલાવી છે. શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલા માલ ગોડાઉન રોડ પરથી એસએમસીની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને લાખો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે મહેસાણા રેલવે સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સની હેરફેર થઈ રહી છે. જેના આધારે SMC ની ટીમે માલ ગોડાઉન રોડ પર વોચ ગોઠવી હતી.
પોલીસ તપાસમાં આ ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમની પાસેથી 108.660 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 10.86 લાખ જેટલી થાય છે.
આ ઉપરાંત, ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે એક ટ્રેન ટિકિટ અને 4 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. ડ્રગ્સ, મોબાઈલ અને અન્ય ચીજવસ્તુઓ મળીને પોલીસે કુલ રૂ. 11.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.





Subscribe to my channel