મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ સુઈગામ પ્રાંત અધિકારીની કચેરી ખાતે વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી, મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે વર્તમાન પરિસ્થિતિ ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલ રાહત-બચાવના પગલાં અને સ્થળાંતરિત કરાયેલા લોકો માટે ઉપ્લબ્ધ કરવામાં આવેલ ભોજન સહિતની તમામ પ્રાથમિક સુવિધાની વિગતો મેળવી હતી તેમજ વરસાદથી પ્રભાવિત જનજીવન પૂર્વવત થાય તે સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાંત કચેરી ખાતે સરહદી વિસ્તારના અગ્રણીઓ સાથે પણ વરસાદથી સર્જાયેલી સ્થિતિ બાબતે સંવાદ સાધ્યો હતો તેમજ સરકાર તરફથી તમામ પ્રકારની શક્ય સહાયની ખાતરી આપી હતી.