જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા ૨૦૨૫ : વરસાદે ઉભું કર્યું સંકટ, પરંપરા જાળવવા ઉતારા મંડળની અપીલ

જૂનાગઢ, તા. ૩૧ ઑક્ટોબર ૨૦૨૫ – સનાતન હિન્દુ સંસ્કૃતિની હજારો વર્ષ જૂની પવિત્ર પરંપરા ગિરનાર લીલી પરિક્રમા આ વર્ષે વરસાદના કારણે ગંભીર સંકટમાં મુકાઈ છે. કારતક સુદ અગિયારસ તા. ૧ નવેમ્બર ૨૦૨૫થી શરૂ થનારી આ પરિક્રમા માટે ઉતારા મંડળ – ભવનાથએ મહત્વની સૂચનાઓ જાહેર કરી છે, જ્યારે જિલ્લા કલેક્ટર કચેરીએ પરિક્રમા બંધ રાખવાનો હુકમ કર્યો છે.
મીટિંગ રદ્દ, સામાન લઈને ન આવવાની સૂચના
ઉતારા મંડળે જણાવ્યું કે, ૩૧ ઑક્ટોબરે જીણા બાવાની મઢી અને બોરદેવી ખાતે યોજાનારી ધારા સભાસદોની મીટિંગ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે.
નવા અન્નક્ષેત્રો તથા ઉતારાઓને સ્પષ્ટ સૂચના છે કે વહીવટી તંત્રની મંજૂરી વિના કોઈપણ સામાન કે અન્ન સાથે પરિક્રમા માર્ગ પર ન આવવું.
“રસ્તા ભીના અને પોચા છે. વાહનો અંદર જઈ શકે તેમ નથી. જ્યાં સુધી વરસાદ બંધ ન થાય અને તંત્રની સૂચના ન મળે, ત્યાં સુધી કોઈ પરિક્રમા માર્ગ પર ન આવે.” – ઉતારા મંડળ
પરંપરા જાળવવા ૧૦૦-૨૦૦ લોકો સાથે પરિક્રમા કરાવવાની માગ
ઉતારા મંડળે વડાપ્રધાન, મુખ્યમંત્રી તથા જિલ્લા વહીવટી તંત્રને નમ્ર અપીલ કરી છે કે,
“જો વરસાદ ચાલુ રહે અને માર્ગ લાયક ન રહે, તો પણ સનાતન પરંપરા બંધ ન થવી જોઈએ. કોરોના કાળમાં ૨૦૨૧માં માત્ર ૨૫ લોકો સાથે પરિક્રમા કરીને પરંપરા જાળવી હતી. એ જ રીતે ૧૦૦-૨૦૦ લોકો દ્વારા પરિક્રમા પૂર્ણ કરાવવા માટે સરકાર સહકાર આપે.”
કલેક્ટરનો હુકમ : પરિક્રમા બંધ
જિલ્લા કલેક્ટર કચેરીની રજિસ્ટ્રી શાખાએ સ્પષ્ટ જાહેરાત કરી છે કે,
“લીલી પરિક્રમા આ વર્ષે બંધ રહેશે.”
આ હુકમને ઉતારા મંડળે નોંધ લીધી છે, પરંતુ પરંપરા જાળવવા માટે વહીવટી તંત્ર સાથે સંવાદ ચાલુ રાખવાની વાત કરી છે.
પરિક્રમાર્થીઓને સલાહ
સેવા ભાવી સંસ્થાઓ તથા પરિક્રમાર્થીઓને સ્થળ પરની પરિસ્થિતિનો તાગ મેળવીને જ નિર્ણય લેવા સૂચન કરાયું છે.
“પરંપરા કોઈપણ સંજોગોમાં બંધ ન થવી જોઈએ.” – ઉતારા મંડળ
સંપર્ક:
આવેશ વેકરિયા (CLLB)
ઉતારા મંડળ – ભવનાથ, જૂનાગઢ
મો. ૭૫૬૭૫ ૭૭૯૭૭


Subscribe to my channel